લેખકના બે બોલ
આ નાનકડી ચોપડીમાં વર્ણવેલા તથા એવા પ્રકારના બીજા હરિજન સંતભક્તો અનેક પ્રકારની હાડમારી અને હેરાનગતિમાં પણ જીવનના સત્ત્વને ભૂલ્યા નથી. જોકે તેઓ સમાજના નીચલામાં નીચલા થરમાં જન્મ્યા હતા, તેમ છતાં દૈવી પ્રકાશનાં કિરણોને તેમની નાની અવસ્થામાંથી જ તેમણે ગ્રહણ કરી લીધેલાં હતાં. શ્રદ્ધા અને ભક્તિ તરફ એમનાં હૃદય ખુલ્લાં થયેલાં હતાં. શ્રીપ્રભુને તેઓ સર્વ રીતે અને સર્વ પ્રકારે અને સર્વ ભાવે સમર્થ માનતા. તેઓ ભજનો ગાતા, ઉત્તમ પદો બનાવતા, ઉપદેશ કરતા અને શ્રીપ્રભુને ગદ્ગદ કંઠે પ્રાર્થના કરતા. આમ હોવા છતાં પણ આવા હરિજન સાધુ પુરુષો વિશે હૃદયનો પ્રેમ-આદર કેળવવો અને એવો વિચાર કરવો એ પણ ઉચ્ચ વર્ણના અંધશ્રદ્ધાળુઓ માટે અસહ્ય હતું. આવા હરિજન સંતભક્તોનો તિરસ્કાર કરવામાં આવ્યો છે, તેમનું અપમાન કરવામાં આવ્યું છે, પવિત્ર સ્થળો અને ઘરોમાંથી ઢોરની માફક તેમને હાંકી કાઢવામાં આવ્યા છે, તેમ છતાં આ સાધુ આત્માઓ જરા પણ ડગ્યા નથી. આવી હાડમારીઓ, આવો તિરસ્કાર, આવી હેરાનગતિ, તથા અનેક કનડગતોની વચ્ચે પણ તેઓ તેમની શ્રદ્ધાને વળગી રહ્યા હતા. તેમના હૃદયમાં જે પ્રકાશ પ્રકાશી રહ્યો હતો, તેના સૂચવેલા માર્ગે આગળ જવાને તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. જે લોકો તેમની કનડગત કરતા, તેમના વિશે કંઈ પણ મનમાં ઇતરાજી કે રાગદ્વેષ તેઓએ રાખ્યાં નથી. આ હકીકત હાલના જમાનાના આપણે બધાં હરિજનોએ ખાસ લક્ષમાં રાખવાની છે. હૃદયની સદ્ભાવના, આદર અને સમભાવ જીવતોજાગતો આપણા હૃદયમાં સવર્ણ ગણાતા વર્ગ પરત્વે જાગી ગયેલો હોવો જોઈશે, તો જ આપણે તેમનાં દિલ પિગળાવી શકીશું. કોઈનાયે જીવનનો પલટો કરાવવાને કાજે આપણે પોતે જ આપણા જીવનને સંપૂર્ણપણે પલટાવી નાખવું પડશે. જીવનમાં ઊંડો ઉત્કટ પ્રેમભાવ પ્રગટ્યા વિના આપણે કંઈ કશું કરી શકવાના નથી, એનું પ્રભુકૃપાથી આપણને યોગ્ય ભાન જાગો એવી હૃદયની પ્રાર્થના છે.
ઉપલા પ્રકારના હરિજન સંતભક્તોની જીવનમાં પ્રગટેલી જીવતીજાગતી નમ્રતા, ભક્તિ અને સંપૂર્ણ સાધુતા હંમેશને માટે ધાર્મિક ઇતિહાસમાં તેમને અમર સ્થાન અપાવશે. આપણા ઇતિહાસમાં ઘણા ઘણાયે વિવિધ પ્રકારનો અને અનેક રંગી ફાળો આપ્યો છે. ઘણા ઉમદા અને સાત્ત્વિક સાધુઓ, મહાન તત્ત્વચિંતકો અને તે તે સમયના યુગાવતાર સમા મહાપુરુષોએ આ મહાન આર્યપ્રજાના જીવનને ઘડ્યું છે. એ ફાળામાં આ હરિજન સંતભક્તોનો અનેરો ફાળો સમાયેલો છે. ધર્મના પ્રદેશમાં શ્રીબુદ્ધ અને શ્રીશંકર ભગવાન તથા એવા બીજા ધર્માચાર્યો મહાન નદીઓ જેવા છે, તો આ નાના નાના હરિજન સંતભક્તો ર્નિમળ ઝરા સમાન તો છે જ. કોઈ ભૂલો પડેલો થાક્યોપાક્યો તરસ્યો મુસાફર કે થાકેલો ખેડૂત એના કિનારે બેસી એનાં ઠંડાં અમૃત જેવાં જળ પી પી પોતે તાજો બનશે, નવીન જીવનની પ્રેરણા તે એમાંથી મેળવશે. આવા સંતભક્તોનો જે વર્ગમાંથી જન્મ થયો છે, તે લોકો તો બિચારા હજીયે અજ્ઞાન અને દુઃખમાં ડૂબેલા છે. તેમનો વસવાટ હજીયે ખંડેર જેવાં ઝૂંપડાંમાં છે. તેમનાં જીવન ગરીબાઈ અને દુઃખથી ભરેલાં છે. ઉચ્ચ ગણાતા સમાજ તરફથી હજીયે તેમની કનડગત અને હેરાનગતિ થાય છે. એમાંના નંદ, ચોખામેળા, રવિદાસ અને હરિદાસ જેવા અનેક સાધુ પુરુષો હજીયે તેમનામાં છે. તેઓ શાંતિથી દુઃખો સહન કરી, રાગદ્વેષાદિ ત્યજી, સર્વ પરત્વે સદ્ભાવ અને સમતાથી વર્તી પોતાનું જીવન વ્યતીત કરે છે. આ દુઃખ પામેલા પવિત્ર સંતભક્તોની સાત્ત્વિક જીવનની સ્મરણગાથા આપણને આપણા ધર્મનું યોગ્ય જ્ઞાનભાન કરાવો એ જ પ્રાર્થના છે.
ગાંધી આશ્રમ, સાબરમતી – મોટા
તા. ૧૨-૨-૧૯૫૪