હરિ:ૐ આશ્રમ,સુરત. કુંભઘડો વિધિ
પૂજ્ય શ્રીમોટા તારીખ 22-04-1956 રવિવારના દિવસે સવારે પુષ્પાબેન દલાલ, શ્રી કુબેરદાસ ભાવસાર,મથુરીબેન ખરે વગેરે છ જણ સાથે નડીયાદથી સુરત આવી પહોંચ્યા. તે દિવસે બપોરે કુરુક્ષેત્ર સ્મશાનની ધર્મશાળામાં બધા ભક્ત મંડળના હાથે કુંભઘડો તૈયાર કરાયો. દરેક ભક્તના હાથે કુંભઘડામાં કંઈ ને કઈ વસ્તુ જેમ કે સોનુ,ચાંદી,હીરો, માણેક,તાંબું, નારિયેળ વગેરે મુકાયું અને કુંભ ઘડો તૈયાર થયો. તે રાતના બાર વાગે તેરસની રાત્રે ચંદ્રમા પૂર્ણ ખીલેલો,પૂજ્ય શ્રીમોટા અને ભક્ત મંડળી મથુરીબેનના ભજનની ધૂન સાથે ધર્મશાળામાંથી નીકળી મૌનમંદિરનો પાયો નાખવા નીકળ્યા,તે વખતનું વાતાવરણ, સુદ તેરસની રાત્રી પૂર્ણ ચંદ્રમા ખીલેલો અને મથુરી બેનના ભજનની ધૂનનો પ્રભાવ આગળ પૂજ્ય શ્રીમોટા અને પાછળ બધી મંડળી આ દૃશ્યનું વર્ણન થાય તેવું નથી.
બધી મંડળી જ્યાં મૌનરૂમનો પાયો નાખવાનો છે ત્યાં તે જગ્યાએ બધા બેસી ગયા. ખાડો ખોદાવ્યો અને પુષ્પાબેન દલાલના હાથે કુંભઘડો મુકાયો.આમ બધા સ્વજનોને વિધિપૂર્વક કુંભ ઘડો મુકવાનો લ્હાવો મળ્યો.જે આજે રૂમ નંબર 3 અને રૂમ નંબર 4 છે તેની વચ્ચેની જ જગ્યાએ કુંભ ઘડો મુકાયો પછી આખી રાત અવાર-નવાર બધી મંડળીએ ત્યાં નામસ્મરણ ચાલુ રાખ્યું તે છેક સવાર સુધી કેવું સુંદર વાતાવરણ….
આ દિવસે નંદુભાઈ પોંડીચેરીના અરવિંદ આશ્રમમાં હતા ત્યાંનો સંદેશો આવ્યો હતો કે આ દિવસ અત્રે ખુબ મહત્વનો ઑકલ્ટ ડે તરીકે મનાવાય છે. શ્રી માતાજીએ પોંડીચેરીમાં તે રાત્રે એવું કહેલું કે “આજે દક્ષિણ ગુજરાતમાં કોઈ સ્થળે ચેતનાનું અવતરણ થઈ રહ્યું છે.” તારીખનો પણ કેવો સુંદર અંકમેળ!!!! 23-4-56 ,બે ત્રણ ચાર પાંચ છ. 100 વર્ષમાં માત્ર બે વાર જ તારીખનું આવું ક્રમવાર આવવાનું થતું હોય છે.
તા.ક
સુરતમાં 18-03-1954 થી કુરુક્ષેત્ર સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓના પણ અભાવ અને ઘણા સંઘર્ષ સાથે પડદા નાખી પાકાં સંડાસ બાથરૂમની પણ સગવડ વિના શરૂ થયેલ મૌનરૂમનો 23-04-1956 ના દિવસથી સ્થાયી સ્થળ અને સગવડતા માટેનો પાયો નંખાયો. આ પાયામાં ભીખુકાકા, ઝીણાકાકા વગેરે જેવા કેટલાયે નામી અનામી સ્વજનો પાયામાં ચણાયેલાં છે, તેમના પરસેવાની ફોરમ હાલમાં પણ મહેકી રહી છે.
હરિ:ૐ આશ્રમ એટલે જ તો વિશ્વમાં ‘ભાવ’ ના મોજા ફેલાવવાનું કેન્દ્ર સ્થળ છે જ્યાંથી આખી દુનિયામાં ભાવ પ્રસારીત થાય છે.