‘નમ્યો તે પ્રભુને ગમ્યો’ એવી એક કહેવત છે. મારા જેવા છેક અજાણ્યાને, કોઈ એક અજાણે ઠેકાણે પડેલાને તથા જેને કોઈ જાણતું નથી એવા ગરબીને, તમે બધાં સ્વજનો પ્રેમભાવે ન્યોછાવર કરી દો છો, એ મારે મન તો પ્રત્યક્ષ પ્રભુકૃપા જ છે. બાકી જો હું વિચારું તો મારી કને છે શું ? જગતમાં આજે લોક જેની કને કંઈક હોય છે–કંઈક પ્રતિષ્ઠા હોય, કંઈક નામના, કંઈક પ્રતિભા, કંઈક લક્ષ્મી, કંઈક સત્તા, કંઈક વૈભવ, કંઈક આંજી દે એવી તેજસ્વિતા અને એવી કંઈક સ્નિગ્ધ વાક્કુશળતા, સાક્ષરપણું એવાને જગત જાણે અને ઓળખે પણ ખરું. આમાંનું મારી પાસે કશુંય નથી. મારો વેપાર તો સ્વજનોની પ્રેમભાવના અને જીવનની કદરભાવના ઉપર જ નભી શકે. એના વિના હું તો સાવ દેવાળિયો છું. સાવ નરાતાર ભિખારી. પ્રભુનાં આપેલાં મારાં સ્વજનોએ પ્રેમની ખોટ પડવા દીધી નથી, તેમ છતાં હૃદયમાં તેમના પરત્વે અસંતોષની જ્વાળા આજે જે ધગધગે છે અને તેમાંથી જે વેદના પ્રગટે છે, તેનાથી હું બળ્યોઝળ્યો રહ્યા કરું છું.
‘જીવનપ્રેરણા’,ચોથી આ, પૃ-૧૩૬-૩૭