Categories
Book Gujarati books

જીવનપ્રેરણા (Jivan Prerna)

નમ્યો તે પ્રભુને ગમ્યોએવી એક કહેવત છે. મારા જેવા છેક અજાણ્યાને, કોઈ એક અજાણે ઠેકાણે પડેલાને તથા જેને કોઈ જાણતું નથી એવા ગરબીને, તમે બધાં સ્વજનો પ્રેમભાવે ન્યોછાવર કરી દો છો, એ મારે મન તો પ્રત્યક્ષ પ્રભુકૃપા જ છે. બાકી જો હું વિચારું તો મારી કને છે શું ? જગતમાં આજે લોક જેની કને કંઈક હોય છે–કંઈક પ્રતિષ્ઠા હોય, કંઈક નામના, કંઈક પ્રતિભા, કંઈક લક્ષ્મી, કંઈક સત્તા, કંઈક વૈભવ, કંઈક આંજી દે એવી તેજસ્વિતા અને એવી કંઈક સ્નિગ્ધ વાક્‌કુશળતા, સાક્ષરપણું એવાને જગત જાણે અને ઓળખે પણ ખરું. આમાંનું મારી પાસે કશુંય નથી. મારો વેપાર તો સ્વજનોની પ્રેમભાવના અને જીવનની કદરભાવના ઉપર જ નભી શકે. એના વિના હું તો સાવ દેવાળિયો છું. સાવ નરાતાર ભિખારી. પ્રભુનાં આપેલાં મારાં સ્વજનોએ પ્રેમની ખોટ પડવા દીધી નથી, તેમ છતાં હૃદયમાં તેમના પરત્વે અસંતોષની જ્વાળા આજે જે ધગધગે છે અને તેમાંથી જે વેદના પ્રગટે છે, તેનાથી હું બળ્યોઝળ્યો રહ્યા કરું છું.

‘જીવનપ્રેરણા’,ચોથી આ, પૃ-૧૩૬-૩૭

Categories
Book Gujarati books

જીવનપોકાર (Jivan Pokar)

પછીથી વ્યર્થ પસ્તાશો

એક કાળ એવો પણ આવશે કે જે વેળા આવાં બધાં સ્વજનો પસ્તાશે કે, ‘મળેલા પુરુષને આપણે અવગણ્યો. એનો યોગ્ય સાથ ન રાખી શક્યાં. આપણે જે અર્થે એને સ્વીકારવાનું કરેલું, તે અર્થે યોગ્ય ઉપયોગ કરવાનું આપણને સૂઝ્યું જ નહિ ! હાય ! હાય ! કેવાં હતભાગી ! એને પૂરું આપણે સમજી પણ શક્યાં નહિ ! એ હતો તો પાસે ને પાસે પણ એને સાચો ને પૂરો જોયો પણ નહિ, તો અનુભવી તો ક્યાંથી જ શકાય ?’ આવું કંઈક કંઈક સ્વજનોને જરૂર થવાનું છે, તે નક્કી માનજો. તે વેળા જે પસ્તાવો થશે તેનાથી કશું જ વળવાનું નથી. જે કોઈ जीवताને માનતાં નથી કે માની શકેલાં નથી, તે તેના ગયા પછી તેને શું માની શકવાનાં છે ? રામ રામ કરો. માટે જેને માનવાનું આપણે કરેલું હોય, તેને તેની જીવતી હયાતી સુધીમાં યોગ્યપણે સમજી લેવાય, ને તે પણ તેના પૂરેપૂરા યથાર્થપણામાં સાચી રીતે સમજાય, પાછું જ સમજીને તેનો જીવનવિકાસના સાધન તરીકે જ્ઞાનભક્તિપૂર્વક જેટલો ઉપયોગ કરી લેવાય તેટલું ઉત્તમ છે.

 ‘જીવનપોકાર’, છઠ્ઠી આ, પૃ-૧૩૫

Categories
Book Gujarati books

જીવનપાથેય (Jivan Pathey)

પ્રસ્તાવના   

સંતપુરુષો પોતાનાં સ્વજનોની પરીક્ષા અનોખી રીતે કરે છે. ગુજરાતના વિખ્યાત સંત શ્રીમોટાનો કેટલાંક વર્ષથી મારા ઉપર અકારણ સ્નેહ રહ્યા જ કર્યો છે. અહેતુક અનુરાગ રાખવો એ એના શીલ-ચારિત્ર્યની પવિત્રતા છે. એકાએક તેઓશ્રીને કોણ જાણે શાથી મનમાં શી સ્ફુરણા થઈ, અને મને એમનું પુસ્તક જીવનપાથેય’ મોકલ્યું. સાથે એક પત્ર પણ લખીને એ પુસ્તકની પ્રસ્તાવના લખવા પ્રેમપૂર્વક આદેશ આપ્યો. પ્રેમસભર આ આદેશનું ઉલ્લંઘન કરવાની મારી શક્તિ નથી. આથી જ ખૂબ મથામણને અંતે આ લખી રહી છું.

જીવનપાથેય’ પુસ્તકમાં શ્રીમોટાએ લખેલા ગદ્ય તથા પદ્ય પત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. લગભગ વીસથી પચીસ વર્ષ પહેલાં આ પત્રો સાધકોને લખાયેલા છે. આ પચીસ વર્ષોમાં હંમેશાં પ્રગતિશીલ શ્રીમોટાનું આંતર્‌બાહ્ય પરિવર્તન પણ થયું હશે. અનુભૂતિની વિશદતા અને એની અભિવ્યક્તિની સહજ સુંદરતા પણ વિકસિત થઈ હશે. આમ છતાં આ પત્રોમાં શ્રીમોટાની સહૃદય રસિકતા પૂર્ણપણે છલકાય છે. માતા, બાળકની આંગળી પકડીને ચાલતા શિખવાડે છે. એ જ રીતે શ્રીમોટા સ્નેહપૂર્વક સાધકને માર્ગદર્શન કરે છે, એમ આ પત્રો જોતાં જણાય છે. શ્રીમોટાનો સ્નેહભર્યો સંપર્ક પામનાર આ સાધકો ભારે ભાગ્યશાળી ગણાય. ગુજરાતના આત્માર્થીઓને આ સત્સંગ દીર્ઘકાળ પર્યંત મળ્યા કરે એવી ઈશ્વરને પ્રાર્થના.

તા. ૧૯-૭-૧૯૬૯                                                                                                                                                           વિમલાતાઈ ઠકાર 

અર્બુદાચલ

Categories
Book Gujarati books

જીવનપરાગ (Jivan Parag)

પૂજ્ય શ્રીમોટાનું કથન 

મદ્રાસના મારા એક સ્વજને એક વાર મને સૂચવ્યું કે ‘તમારાં બધાં છપાયેલાં પુસ્તકોમાંથી જે જે સૂત્રાત્મક વચનો હોય, તેને તથા તે પુસ્તકોમાંથી જુદા જુદા વિષયના મુખ્ય મુખ્ય મુદ્દાઓ તારવીને, ટૂંકાવીને, તે બધાંનું જો એક જુદું પુસ્તક છપાવાય, તો શ્રેયાર્થીને તથા વાચકને તે તે બધું જાણવું વધુ સુલભ થઈ પડે. આ હકીકતને તો ઘણાં વર્ષો થઈ ગયાં. તે પછી ભાઈ નંદુભાઈને પોતાને જ આવું કંઈક તારવવાનો સભાન ખ્યાલ જાગ્યો ને તેઓએ મૌનએકાંત મંદિરમાં પુરાઈ જઈને, તદ્દન એકાંતવાસ સેવીને, બધાં પુસ્તકોનો અભ્યાસ કરીને આ બધું તારવ્યું છે, જેને વાચક આગળ આજે રજૂ થવાની તક સાંપડી છે. તેનું નિમિત્તકારણ તો એવા જ એક સ્વજન ભાઈ ચીમનભાઈ મહાજન છે. તેમણે લેખકનું કંઈક છપાવવા, યોગ્ય લખાણ તૈયાર હોય તો છપાવવાનું, બહુ જ દિલ કર્યાં કરેલું, ને તેવું લખાણ તો તૈયાર જ હતું. આ થઈ એની પ્રકાશન-કથા.

 લેખકને જે જે કંઈક કહેવાનું હોય છે, જે જે તેના દિલમાં હોય છે, તે બધું જ કંઈ કહેવાઈ જતું હોતું નથી. તે તો જેને જેને કહેવાનું કે લખવાનું બન્યું હોય, તેની તેની ભૂમિકા પરત્વેના લક્ષાનુસંધાનથી પ્રેરાઈને લખેલું હોવાથી તે તે વિષયની સંપૂર્ણ હકીકત તેમાં આવી જતી નથી હોતી. તેમાંય વળી આ તો બધું તારવેલું છે, એટલે તે લખાયેલાના સારરૂપે તે છે, તેથી તેમાં અધૂરપ પણ હોવાની જ.

જીવનવિકાસનાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ જ્યાં સુધી એકાગ્ર ને કેંદ્રિત, જીવતાંજાગતાં, એકધારાં પ્રગટેલાં હોતાં નથી, ત્યાં સુધી  શ્રેયાર્થીની ભૂમિકા Receptive and Responsive-સ્વીકારાત્મક, સંગ્રાહક અને તેને અનુલક્ષીને તેનો હેતુલક્ષી ભાવનાથી પ્રત્યુત્તરાત્મક સામો જવાબ પ્રેમથી, હૈયાના ઉમળકાથી વાળી શકે એવી ભૂમિકા બની ગયેલી, હોઈ શકેલી, ન હોવાથી, તેનું દિલ તે તે બધું પૂરું પચાવી શકે એવું નથી હોતું. તેનો આધાર તો તેનું દિલ જીવનવિકાસના ધ્યેય પરત્વે કેટલું ને કેવું ધગધગતા તલસાટયુક્ત ને સતત ઉન્મુખી પ્રગટેલું છે તેના પર હોય છે. એવા દિલનો દિલમાં દિલથી પ્રગટેલો એવો તલસાટ એ જ સાચી રીતે તો એના જીવનને ઘડનારો સાચો ગુરુ છે, ને ત્યારે જ નિમિત્તગુરુ એને પ્રભુકૃપાથી આકાર દેવામાં પ્રેરણાત્મક સૂક્ષ્મ મદદ પ્રેરાવી શકતો હોય છે. એવો દિલનો ઉત્કટ તલસાટ, પ્રચંડ ધગશ, ઉત્સાહ, ઉમંગ, ન્યોછાવરી, સાહસ, હિંમત, ધીરજ, ત્યાગ, સમર્પણ વગેરે જીવનમાં જ્યારે એક અંગભૂત વણાઈ જઈને તેના તેવા સ્વરૂપની કાયા ઘડાયેલી હોય છે, ત્યારે જ એવો શ્રેયાર્થી વારી વારી જઈને એમાં સર્વ ભાવે ને સર્વ રીતે પોતે ફનાગીરીનો આનંદ સેવી સેવી ફલંગો પર ફલંગો કૂદી કૂદી આગેકદમ ભરતો જતો હોય છે ને એવાના દિલની ને જીવનની એવી મસ્તીમાંથી જ જીવનનું પુનર્જીવન ને નવસર્જન થતું રહેતું હોય છે.

જીવનનાં અનેક પાસાંઓમાં, ક્ષેત્રોમાં ને જીવનના જુદા જુદા સંજોગોમાં, પરિસ્થિતિમાં, જુદાં જુદાં કર્મોમાં તેવો  जीव ભલે જુદો જુદો વર્તતો લાગે, પરંતુ તેનાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ તો ધ્યેય પરત્વેના હેતુથી એકધારાં પ્રેરાઈને ધ્યેયના હેતુની સફળતા પરત્વેની એના દિલની સચોટ મીટ મંડાયેલી ત્યારે રહ્યાં કરતી હોય છે, ને એમાંથી જ તે પોતાના જીવનને તારવતો તારવતો આગળ ધપ્યો જતો હોય છે. જીવનમાં અનેક પ્રકારનાં ઘમસાણ ને પ્રલયો એને પ્રગટે છે, પરંતુ તેના દિલની મસ્તીનો પારો ત્યારે પણ નીચે કદી ઊતરી શકતો નથી. એવા એવા પ્રસંગોથી તો એના દિલની ખુમારી ત્યારે વધારે  પ્રકાશી કેવી મદમસ્ત ટટ્ટારી અનુભવે છે, એની કથા તો કોઈક એવો ન્યારો વિરલ વીર જ અનુભવી શકે છે.

જીવનવિકાસનો માર્ગ તો છે જીવનની મસ્તીનો, ખુમારીનો ને જીવનને હૈયાના ઉમળકાથી સ્વાર્પણ કર્યાં જવાનો છે. જીવનવિકાસની કથા એવાં સ્વાર્પણનાં એક પછી એક પગલાં ભરાયાં જવાયામાંથી નવા નવા ભાવે ને નવા નવા રૂપે કોઈક ભવ્ય, રમ્ય, દિવ્ય કળામાં પરિણમતી જતી જ્યારે પોતે અનુભવે છે, ત્યારે જીવનની ધન્યતા, કૃતાર્થતા અનુભવતો તે શ્રેયાર્થી એવી જ્ઞાનભક્તિયુક્ત દિલની કુરબાનીઓ ને આહુતિઓ આપતાં આપતાં એના દિલનો ભાવ દરિયાનાં ભરતીનાં મોજાંઓથી પણ અનેકગણો વધુ ઊછળતો તે પોતે અનુભવે છે ને જીવન એક પરમ આનંદનો લહાવો છે, એવી એને દિલમાં દિલથી સભાનતા પ્રગટે છે. એવાને ત્યારે દિલમાં મસ્તીની, જીવનઘડતરની એકધારી સતત ભાવના પ્રગટેલી રહ્યાં કરે છે. તેવી ભાવના વડે કરીને હાર ને નિરાશાના વમળમાં તે કદી પણ ગર્ત થઈ જઈ શકતો નથી, કારણ કે દિલમાં એવી પ્રગટેલી પ્રચંડ ઉત્સાહ, તલસાટવાળી ભાવના એનામાં એવી તો એક હૈયાસૂઝ પ્રગટાવે છે કે તે તેવી તેવી વેળા તટસ્થતા ને સમતાથી એનું આકલન કરી કરી, તેને તેને પાર કરી જતો હોય છે, ને ત્યારે તે તેના વહાલા પ્રભુની પરમ મંગળમયી કૃપાનો સહારો અનુભવે છે કે જેના આધારે તે પોતાના જીવનનું સુકાન ધ્યેયના હેતુને હૃદયમાં હૃદયથી અનુલક્ષીને પ્રભુકૃપાથી દોરવ્યાં કરતો હોય છે.

જે જે સ્વજનોને આ બધું સંબોધાઈને પ્રભુકૃપાથી જે લખાયેલું છે, તે તે તેમને જીવન પરત્વે સભાન ને સજાગ રખાવ્યાં કરો એ જ  પ્રાર્થના.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                                       –– મોટા

કુરુક્ષેત્ર, રાંદેર (વાયા સુરત)

તા. ૧-૬-૧૯૬૩