Categories
Book Gujarati books

પુનિત પ્રેમગાથા (Punit Prem-Gatha)

 

સંપાદકના બે બોલ

આ ચોપડીમાંનું લખાણ જુદી જુદી વ્યક્તિઓને લખાયેલું છે અને તે દરેક વ્યક્તિના જીવનના જુદા જુદા પ્રશ્ન અને જુદી જુદી ભૂમિકા અંગેનું છે . તેથી , તેમાં અનેકવાર એકના એક ભાવાર્થવાળું લખાણ પણ ક્યાંક ક્યાંક આવી જાય છે . દરેક પથ એક સ્વતંત્ર વ્યક્તિને હોઈને તે આપણા સમાજમાંથી અનેક વ્યક્તિઓના જીવનને લાગુ પડી શકે તેવું છે .

સમાજમાં પ્રચલિતપણે ‘ પ્રેમ’નો જે અર્થ થાય છે , તેના કરતાં ઘણીયે ઉચ્ચ ભૂમિકાને ઉદ્દેશતું અને તેને વિષય કરતું આ બધું લખાણ છે . ધણીય વ્યક્તિ પોતે અંતરથી સાચી રીતે માનતી હોય કે તે પોતે પ્રેમની સાચી ભાવનાથી જ અમુક અમુક પ્રસંગોમાં દોરવાયેલી છે , પરંતુ તે તેના સાચા મૂલ્યાંકનમાં પ્રેમ નથી હોતો પણ કોઈ ને કોઈ પ્રકારની આસક્તિ કે મોહની વૃત્તિ જ હોય છે , તે બધું સ્પષ્ટપણે આ લખાણમાં સમજાવવામાં આવ્યું છે . પ્રેમનાં ઉત્તમોત્તમ લક્ષણો કર્યા અને શાં હોવાં ઘટે તેનો પણ તેમાં નિર્દેશ છે . લખનાર , પ્રેમ એટલે ભગવાનનો ભાવ એમ આખરે તો સમાવવા માંગે છે .

પતિ – પત્ની સાથેનો સંબંધ , મિત્ર – મિત્ર વચ્ચેનો સંબંધ , કૌટુંબિક અનેક વ્યક્તિઓ સાથેનો સંબંધ , સમાજ સાથેનો સંબંધ તથા વ્યષ્ટિ અને સમષ્ટિ સાથેનો સંબંધ – એ બધા માનવી જીવનોના સંબંધોમાં પરાત્પર પ્રેમ સુક્ષ્મ , સળંગ અને સમગ્રપણે ભાગ ભજવી રહેલો છે , તેનું પણ ભાન લખનાર , વાચકને જરૂર ઉપાવે છે . છેક સામાન્ય માનવીના જીવનની મૂઢતા અને તેની અશાન દેશાને સ્પષ્ટ ચિત્રની જેમ આલેખીને તેને પોતાની દશા શી છે તેની સામે આંગળી ચીપીને તેને તે દશામાંથી જાગૃત કરવાને અને ચેતનાપૂર્ણ જીવનના ઉત્ક્રાંતિપ્રેરક ચેતના , ભાવ શક્તિના પ્રેમસ્વરૂપને જીવનના એક મહાન આદર્શ તરીકે , એટલું જ નહિ પણ જીવનને એ રીતે સમજવાને , ઘડવાને અને અનુભવવાને લખનાર , પ્રેમને એક મહામોંઘામૂલા સાધન તરીકે રજૂ કરે છે.

આમાં આધ્યાત્મિક જીવનના ઉત્કૃષ્ટ અનુભવોની ભલે છાંટ , છાપ કે અસર કોઈને ન જણાય , તેમ છતાં તેમાં જીવનને સમજવા માગનાર અને જીવન પરત્વે જેની સાધનાની દૃષ્ટિ છે , એવાને ‘ એક ડગલું બસ થાય ‘ એટલું પોષણતત્ત્વ તો જરૂર મળી રહેશે એમ ખાતરીપૂર્વક લખવાનું મન થાય છે .

લખનાર , જુદી જુદી વ્યક્તિઓના સંબંધમાં આવેલા હોવાથી તેમને તેમની જીવનની ઘરેડમાંથી ઊંચે લાવવાને , કેટકેટલી તાલાવેલી થાય છે અને તેમને તેમના જીવનના તેવા તેવા વલણ કે વર્તનથી કેટકેટલું દુઃખ થાય છે એનું સંવેદન પણ આ લખાણમાં વાંચનારને અસર કર્યાં વિના રહેશે નહિ .

આ બધું લખાણ કોઈ ને કોઈ વ્યક્તિના તેમના પર આવેલા કાગળના પ્રતિ – ઉત્તરરૂપે લખાયેલું છે અને તે લખાણ એક રીતે તે તે વ્યક્તિના જીવન અંગે લખાયેલું હોવાથી ખાનગી ગણી શકાય , પરંતુ ‘ સ્વાનુભવમાં સર્વાનુભવ ‘ સમાતો હોવાથી તેને જનતા – જનાર્દનને ચરણે મૂકવાનું યોગ્ય ધાર્યું છે . તે તે વ્યક્તિઓ બધાં એક સ્વજન જેવાં છે એટલે તેમની આ કાગળો છપાવવાની પરવાનગી લીધી નથી , પરંતુ આ લખાણના છપાવવા સાથે તે બધાંની હૃદયની સંમતિ છે એમ માની લેવામાં આવ્યું છે અને આશા છે કે તે સર્વના તેમાં આશીર્વાદ છે જ .

આ ચોપડીના પ્રસ્તાવનાલેખક શ્રી ગુરુદયાલ મલ્લિકજી વિશે બે બોલ લખું તો તે અયોગ્ય નહિ ગણાય . તેઓ સરહદ પ્રાંતના છે અને ગુજરાતી લખાણ ઉપર તેઓ આવું પ્રસ્તાવનારૂપે લખે એટલે તો તેમના વિશે તે બાબતમાં સ્ફોટ કરવાનું ઉચિત જ છે . તેઓ સદ્દગત કવિવર ટાગોરના લગભગ ૨૦ વર્ષના સાથી છે અને તેઓશ્રીના ભક્ત છે . શાંતિનિકેતનના વિશ્વભારતીના તેઓ અંગ્રેજી વિષયના ઘણાં વર્ષો સુધી અધ્યાપક હતા . એક વખતના ખ્રિસ્ત સેવાસંધના પાદરી સભ્ય પણ હાલમાં ગોંડ જાતિને હૃદયથી અપનાવી તેની સેવા કરનાર તથા પૂજ્ય ગાંધીજીના નિકટ સમાગમમાં આવેલા શ્રી વેરિયર એલ્વિને , એક સ્પેનિશ અંગ્રેજ ભક્ત ‘ રિચર્ડ રોલબલ ‘ નું જીવનચરિત્ર લખ્યું છે . તે એમણે શ્રી ગુરુદયાલજીને સમર્પણ કરેલું છે . હિંદુસ્તાનના અંગ્રેજી ઉત્કૃષ્ટ માસિકોમાં તેમનાં આધ્યાત્મિક લખાણો વિશે જેમણે વાંચ્યું હશે , તેઓ તેમના નામથી જાણીતા હશે . તેઓ ગુજરાતી ભાષા વાંચીને સમજી શકે છે અને સાધારણ બોલી પણ શકે છે . લખનારે આ લખાણ તેમની સાથે બેસીને વાંચ્યું છે , સાધારણ ગુજરાતી સમજનાર એવા એમને આ બધું લખાણ સરળપણે સમજાયું છે , એટલે ગુજરાતી આમ જનતાને આ સમજાવવાને વિશેષ શ્રમ લેવો નહિ પડે એટલી સરળતા આ લખાણમાં છે .

આ ચોપડીનો આમુખ એક બહેને લખ્યો છે . ગુજરાતમાં સદ્દગત અબ્બાસ તૈયબજી સાહેબનું નામ સર્વ કોઈ જાણતું હશે જ . તેમનાં દીકરી શ્રીમતી રેહાનાબહેન તૈયબજી . અને તેમનું નામ પણ તેટલું જ જાણીતું છે . અને તે કરતાંયે તેમના હૃદયનો શ્રીકૃષ્ણ પરત્વેનો શુદ્ધ હૃદયનો ભક્તિભાવ એ તો એનાથીયે વિશેષ જાણીતો છે . તેમનાં ભજનો સાંભળવાં એટલે ભક્તિના ભાવમાં તરબોળ થઈ તેમાં લય પામવાનો અનુભવ . જોકે એમનાં ભજનોનો આસ્વાદ ગુજરાતને મળ્યો નથી એ એક દુર્ભાગ્યની વાત હું સમજું છું . તેમનાં થોડાંક ભજનો ‘ બુદ્ધિપ્રકાશ‘માં છપાયાં છે .તેમનું અંગ્રેજીમાં લખાયેલું સ્વયંપ્રેરિત ‘ The heart of a Gopi ’ ( ગોપીનું હૃદય ) જેમણે વાંચ્યું હશે તે તો તેમને કદી ભૂલી જઈ શકે તેમ નથી . તેમણે આ ચોપડીનો આમુખ લખી આપેલો છે . ભક્ત હૃદય જ ભક્તને પારખી શકે . કોઈ પણ વસ્તુનું તારતમ્ય , મહત્ત્વ કે રહસ્ય તેનું જે કોઈ પરમ ભક્ત હોય તે જ પૂરું નાણી શકે . તેમણે જે પ્રેમભાવે લખનારની કદર બૂજી છે , એ રીતે લખનારને અનુભવવાની શ્રદ્ધાભક્તિવાળી તાકાત અમારા જીવનમાં પ્રગટો તે પ્રાર્થના છે .

ભાઈશ્રી કાંતિભાઈએ આ બધાં લખાણો ઉતારવામાં જે શ્રમ ઉઠાવ્યો છે . તે શ્રમનો તેમને જીવનમાં પ્રેરણાત્મકપણે ચિતવનરૂપે ખ્યાલ જાગ્યા કરો એટલી પ્રાર્થના છે . અને જે જે વ્યક્તિઓને ઉદ્દેશીને આ લખાણો લખાયાં છે . તે તે વ્યક્તિ આ લખાણો વાંચીને પોતે વધારે ને વધારે પોતાના જીવનના ધ્યેયમાં નિષ્ઠા પામતાં જાય એવી પણ અપેક્ષા હૃદયમાં જાગે છે .

 નંદલાલ ભોગીલાલ શાહ

ગુરુપૂર્ણિમા : સં . ૨૦૦૩ – સને ૧૯૪૭

હરિજન આશ્રમ , સાબરમતી

Categories
Book Gujarati books

જીવનપ્રેરણા (Jivan Prerna)

નમ્યો તે પ્રભુને ગમ્યોએવી એક કહેવત છે. મારા જેવા છેક અજાણ્યાને, કોઈ એક અજાણે ઠેકાણે પડેલાને તથા જેને કોઈ જાણતું નથી એવા ગરબીને, તમે બધાં સ્વજનો પ્રેમભાવે ન્યોછાવર કરી દો છો, એ મારે મન તો પ્રત્યક્ષ પ્રભુકૃપા જ છે. બાકી જો હું વિચારું તો મારી કને છે શું ? જગતમાં આજે લોક જેની કને કંઈક હોય છે–કંઈક પ્રતિષ્ઠા હોય, કંઈક નામના, કંઈક પ્રતિભા, કંઈક લક્ષ્મી, કંઈક સત્તા, કંઈક વૈભવ, કંઈક આંજી દે એવી તેજસ્વિતા અને એવી કંઈક સ્નિગ્ધ વાક્‌કુશળતા, સાક્ષરપણું એવાને જગત જાણે અને ઓળખે પણ ખરું. આમાંનું મારી પાસે કશુંય નથી. મારો વેપાર તો સ્વજનોની પ્રેમભાવના અને જીવનની કદરભાવના ઉપર જ નભી શકે. એના વિના હું તો સાવ દેવાળિયો છું. સાવ નરાતાર ભિખારી. પ્રભુનાં આપેલાં મારાં સ્વજનોએ પ્રેમની ખોટ પડવા દીધી નથી, તેમ છતાં હૃદયમાં તેમના પરત્વે અસંતોષની જ્વાળા આજે જે ધગધગે છે અને તેમાંથી જે વેદના પ્રગટે છે, તેનાથી હું બળ્યોઝળ્યો રહ્યા કરું છું.

‘જીવનપ્રેરણા’,ચોથી આ, પૃ-૧૩૬-૩૭

Categories
Book Gujarati books

જીવનપોકાર (Jivan Pokar)

પછીથી વ્યર્થ પસ્તાશો

એક કાળ એવો પણ આવશે કે જે વેળા આવાં બધાં સ્વજનો પસ્તાશે કે, ‘મળેલા પુરુષને આપણે અવગણ્યો. એનો યોગ્ય સાથ ન રાખી શક્યાં. આપણે જે અર્થે એને સ્વીકારવાનું કરેલું, તે અર્થે યોગ્ય ઉપયોગ કરવાનું આપણને સૂઝ્યું જ નહિ ! હાય ! હાય ! કેવાં હતભાગી ! એને પૂરું આપણે સમજી પણ શક્યાં નહિ ! એ હતો તો પાસે ને પાસે પણ એને સાચો ને પૂરો જોયો પણ નહિ, તો અનુભવી તો ક્યાંથી જ શકાય ?’ આવું કંઈક કંઈક સ્વજનોને જરૂર થવાનું છે, તે નક્કી માનજો. તે વેળા જે પસ્તાવો થશે તેનાથી કશું જ વળવાનું નથી. જે કોઈ जीवताને માનતાં નથી કે માની શકેલાં નથી, તે તેના ગયા પછી તેને શું માની શકવાનાં છે ? રામ રામ કરો. માટે જેને માનવાનું આપણે કરેલું હોય, તેને તેની જીવતી હયાતી સુધીમાં યોગ્યપણે સમજી લેવાય, ને તે પણ તેના પૂરેપૂરા યથાર્થપણામાં સાચી રીતે સમજાય, પાછું જ સમજીને તેનો જીવનવિકાસના સાધન તરીકે જ્ઞાનભક્તિપૂર્વક જેટલો ઉપયોગ કરી લેવાય તેટલું ઉત્તમ છે.

 ‘જીવનપોકાર’, છઠ્ઠી આ, પૃ-૧૩૫

Categories
Book Gujarati books

જીવનપગદંડી (Jivan Pagdandi)

પ્રકાશકના બે બોલ

પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના ‘લેખકના બે બોલ’માં મારા વિશે લખ્યું છે અને આ પુસ્તકના પ્રકાશક તરીકે મારું નામ મૂક્યું છે, આથી, ‘બે બોલ’ રૂપે મારે પણ કંઈક લખવું એમ થતાં આ લખું છું.

હું મૅટ્રિક પાસ થયો તે સમયથી પૂજ્ય શ્રીમોટાની મને પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ અનેક પ્રકારની સહાય મળી છે. હું એમના નિકટ સંપર્કમાં રહું છું, એટલે મને કંઈ ને કંઈ કામ સોંપે અને તે હું કેવી રીતે કરું છું તે જોઈ, તપાસી મારા સ્વભાવનું ઘડતર કરે. આ એમની આગવી લાક્ષણિકતા છે અને મને તેની ખબર પણ છે. આથી, એઓ મને કોઈ પણ રીતે વઢે કરે એવી એમને તક ન મળે એવી ચોકસાઈ રાખવા પ્રયત્ન કરું પણ ખરો, પરંતુ તેવી સતત જાગૃતિ રાખી શકું નહિ. સોંપેલ કર્મમાં ક્યાંક ભૂલ કરું જ અને તેમને તક અપાઈ જાય. પછી તેઓશ્રી મને લડે કરે તો ખાસ ખરાબ લાગે નહિ, કારણ ક્યાં કેવી ભૂલ કરી છે, તેનું ભાન તો તે પછી તુરત જ થઈ જતું, પણ તેને તો સુધારવાની તક મળતી નહિ. પણ આવા અનુભવે બીજાં કાર્યોમાં વધુ ચોકસાઈ, વધુ જાગૃતિ રહેતી.

પ્રિય પૂજ્યના પ્રત્યક્ષ સંપર્ક અને સ્નેહ ઉપરાંત તેઓશ્રીના પરમ ચેતના સાથેના અદ્વૈતાનુભવને લીધે મને પરોક્ષ સ્પર્શ અને પારલૌકિક અનુભવો થયા છે. એની વિગતમાં ઊતરવું એ અત્રે પ્રસ્તુત નથી. તેમ છતાં, આવા અનુભવો થતા હોવા છતાં મારા અંતરમાં તેઓશ્રી કહે છે એવી ભક્તિ જાગી નથી. જાગતી નથી એનો એકરાર કરવા આટલો ઉલ્લેખ કરું છું. મને જ્યારે જ્યારે એવા ચમત્કારિક અનુભવો થયા છે ત્યારે ત્યારે જાણે કે એ બધું મેં જોયેલું  છે, અનુભવેલું છે, એવા સંસ્કારો મારા સચેતન માનસમાંથી પ્રગટ થાય- એવું મને લાગ્યા કરે કે આમાં કશું નવું નથી. ક્યાંક ક્યારેક અનુભવેલું છે. વળી, સત્પુરુષોની સોબતથી આવું તો અનુભવાય એમ બુદ્ધિ સ્વીકાર કરે, એથી આવા નક્કર અને જીવંત અનુભવોએ પણ મને પરમ ચેતના પરત્વેના અહોભાવમાં ડુબાડેલો નથી અને ભક્તિનો ઉદ્રેક અનુભવતો નથી. આ પ્રકારની સમજ પૂરતી મારી ભ્રમણા કે જડતા અથવા ઘોર તામસ પણ હોઈ શકે.

છતાં પણ ચિત્તના બંધારણમાં કર્મ પરત્વેની નિષ્ઠા અને પ્રમાણિકતાને લીધે ખંત, ઉદ્યમ અને ઉમળકો રહ્યા કરે. પહેલાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ સંપૂર્ણપણે સાંસારિક હતાં. છતાં એ મોળાં પડીને આધ્યાત્મિક માર્ગની આછી સમજ ચિત્તમાં અંકાઈ રહી છે, એનું કારણ પ્રિય પૂજ્યની સપ્રેમ કૃપા છે, એમ હું બુદ્ધિપુરઃસર સ્વીકારું છું. બુદ્ધિનો આવો સ્વીકાર હોવા છતાં ભાવ-ભક્તિનો ઉદ્રેક અનુભવાતો નથી એનો પણ હું સ્વીકાર કરું છું. પ્રિય પૂજ્યની અપાર કૃપાનો હું ભાજન બનેલો છું. મને પારલૌકિક શક્તિના અનેક પ્રકારના અનુભવો પણ થયા છે. અંતરમાં જન્મેલી આધ્યાત્મિક જીવન પરત્વેની સૂઝને લીધે હું એ માર્ગ ઉપર આગળ વધવાના પ્રયત્નો પણ કૃપામદદ માગી માગી કરું છું. છતાં હજી ભક્તિભાવમાં વેગ આવતો નથી એનો એકરાર પણ કરું છું.

જીવનપગદંડી’ પુસ્તકના પ્રકાશક તરીકે ‘બે બોલ’ દ્વારા મારા અંતરભાવની અભિવ્યક્તિને આ તક મળી છે ત્યારે મને એવી કશી પણ ભૂમિકા ન હતી, છતાં જે પ્રેમભાવ અને કૃપાને લીધે ચઢાણના માર્ગની સૂઝ પ્રગટી છે, એમાં પ્રેમભક્તિ ભાવભર્યો વેગ પ્રાપ્ત થાય એવી પ્રિય પૂજ્યને પ્રાર્થના કરી વિરમું છું.

રમાકાંત પ્ર. જોશી