Categories
Book Gujarati books

જીવનરસાયણ (Jivan Rasayan)

સંપાદકના બે બોલ

 છેલ્લાં બે એક વર્ષથી પૂજ્ય શ્રીમોટા તેમની અનુભવદશાનાં ભજનો વિવિધ પ્રકારે લખતા રહ્યા છે. અને તેનું પુસ્તક પ્રસિદ્ધિનું કાર્ય તેમનાં સ્વજનો ઉપાડી લે છે. અમે પણ પૂજ્ય શ્રીમોટાને તેમનાં ભજનોના એક પુસ્તકની પ્રસિદ્ધિનું કામ સોંપવા માગણી કરી અને તેની ફળશ્રુતિ તે આ જીવનરસાયણ.

પૂજ્ય શ્રીમોટાનાં આ ‘જીવનરસાયણમાં છપાયેલાં ભજનોનું આચમન સૌ કોઈ કરી શકે છે.-જેમ સરિતાના જળનું આચમન સૌ કોઈ કરી શકે છે. એને કોઈ ભેદ હોતો નથી. પંખી, પશુ, પ્રાણી, જીવજંતુ, માણસ સૌ કોઈ તેનાં પાણી પીવે છે. સરિતા તો માત્ર આપવાનો આનંદ-લહાવો જ માણે છે.

તે પ્રમાણે આપણા સંતભક્તોને પણ કશાના ભેદ હોતા નથી. તેમની પાસે પુણ્યશાળી કે પાપી, સારા કે ખરાબ, ઊંચ કે નીચ, ધનવાન કે ગરીબ, અભણ કે વિદ્વાન, શહેરી કે ગામડિયો, સ્ત્રીઓ, પુરુષો કે બાળકો સૌ કોઈ જઈ શકે છે, અને તેઓ જગતના શીતળ છાંયડે તેમને વિસામો આપે છે. સરિતાની જેમ તેઓ તો માત્ર આપવાનો આનંદ-લહાવો જ માણતા હોય છે.

જીવનમાં આનંદ તો સૌને જોઈએ છે, પરંતુ એ આનંદ મેળવવા માટે આપણે કેટલો પુરુષાર્થ કરીએ છીએ ? આનંદ મેળવવો હોય કે કંઈ કશાની પ્રાપ્તિ કરવી હોય, તો કેટલો અને કેવો પુરુષાર્થ કરવો પડે છે, તેનું દર્શન આ પુસ્તકોનાં ભજનો વાંચતાં વાચકને થશે.

ગુણોનાં નામ આપણે જાણીએ છીએ ખરાં, પરંતુ તે મેળવવા માટે આપણે શું કરીએ છીએ ? જીવનમાં  गुणप्राप्ति અને એ દ્વારા साधनाविकासને પંથે પળવા ઇચ્છતાં ભાઈબહેનો માટે આ પુસ્તક એક ભોમિયાની ગરજ સારશે. વાચકો વાંચે અને તેનો અનુભવ કરે એ જ વિનંતી.

પૂજ્ય શ્રીમોટાના આ પુસ્તકમાંથી જીવનવિકાસના મુમુક્ષુઓને સામગ્રી મળે છે. શું કરીએ તો જીવન પલ્લવિત થાય અને નવજીવનને પામે, તેનો સાર જેઓ શોધશે, તેને આ પુસ્તકમાંથી જરૂર મળી રહેશે.

આધ્યાત્મિક માર્ગનું શિખર સર કરવા માટે કેટકેટલાં પગથિયાં ચડવાં પડે છે ! અને ક્યાં ક્યાં સીધાં, આકરાં અને દુર્ગમ ચઢાણ આવે છે, તે આ પુસ્તકનાં ભજનો વાંચતાં સહેજે સમજાશે, અને માર્ગ કેવો ગહન છે, તેનો પણ સૌને ખ્યાલ આવશે.

દરેક વિષયને તેની ક્રિયા પ્રક્રિયાઓમાંથી પાર પડાય તો જ તેના વિજયને પમાય છે. તેવું જ  આધ્યાત્મિક માર્ગને વિશે પણ છે.

પૂજ્ય શ્રીમોટાએ તેમની જીવનસાધનામાં કેટકેટલાં કષ્ટો સહન કર્યાં છે, તે આ પુસ્તકનાં ભજનો વાંચતાં વાચકોને જાણવા મળશે. અને જેઓ આધ્યાત્મિક માર્ગમાં આગેકૂચ કરવા ઇચ્છતા હશે તેમને તેમાંથી સ્પષ્ટ માર્ગદર્શન મળી રહેશે.

આ રીતે આવું ઉત્તમ પુસ્તક પ્રસિદ્ધ કરવાની પૂજ્ય શ્રીમોટાએ અમને અનુમતિ આપી, તે માટે અમે તેમના ઘણા ઘણા આભારી છીએ. પૂજ્ય શ્રીમોટા, તેમના દરેક પુસ્તકના વેચાણની રકમ સમાજ- પરમાર્થનાં કાર્યોમાં જ વાપરતા હોય છે. તે રીતે જેઓ આ પુસ્તક ખરીદીને વાંચશે તેમને જીવન ઉપયોગી સાચું વાંચન વાંચવા મળશે જ, તેની સાથે સમાજ-પરમાર્થના કાર્યોમાં મદદ કરવાનું શ્રેય મળશે તે તો વધારામાં. ગુજરાતની પ્રભુપ્રેમી જનતા આ પુસ્તકને સત્કારશે એવી આશા છે

 – જીવણલાલ ચતુરદાસ ચૌહાણ