Categories
Book Gujarati books

જીવનઝલક (Jivan Zalak)

લેખકના બે બોલ

(પ્રથમ આવૃત્તિ)

જીવનઅનુભવગીત છપાતું હતું, ત્યારે એક શ્રીમતી ડૉક્‌ટર બહેને વિનંતી કરી કે ‘મોટા, મને પણ રોજની એકાદ ગઝલ પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલો, તો તે બધી એકઠી થયે, તે પુસ્તકરૂપે છપાવીશ.’ શ્રીપ્રભુકૃપાથી તે નિમિત્તે મળ્યું, તેને શ્રીપ્રભુકૃપાની અણમોલ પ્રસાદી સમજું છું.

આવું યોગ્ય નિમિત્ત મળવાથી સ્મરણના સાધનને શ્રીપ્રભુકૃપાથી जीवे કેવી રીતે જીવનમાં તાણાવાણાની પેઠે વણી લીધેલું છે, તેનો ઇતિહાસ થોડો ઘણો પણ લખવાનો જે અવસર મળ્યો છે, તેને હું મારું સદ્‌ભાગ્ય ગણું છું. જીવનઅનુભવગીત, જીવનલહરિ અને જીવનઝલક એ ત્રણે પુસ્તકોમાં સ્મરણને મેં જે રીતે બહુવિધ દોહરાવ્યું છે, તે જોતાં जीवे સ્મરણ સાધનને જે ભાવે અને જે હેતુની સભાનતાથી લીધા કરેલું છે, તેનો સળંગ ઇતિહાસ તો નહિ, પરંતુ તેનો કંઈક ઇશારો તો મળી શકે તેવું છે.

શ્રીપ્રભુકૃપાથી કેવાં કેવાં નિમિત્ત મળ્યાં છે અને તે નિમિત્તોએ મને જે મદદ કરેલી છે, તેનો પણ એક સ્વતંત્ર અને નોખો ઇતિહાસ છે. એવાં અનેક સ્વજનોના અને जीवના.

(અનુષ્ટુપ)

દોષો કેવા થયેલા જે તેના તે પરિણામને-

શૂળીનું વિઘ્ન સોયેથી ટળે’, તે ભાવથી હૃદે,

મળ્યાં-નિમિત્ત-સંબંધે વર્તાતાં, હેતુથી જ તે-

ભોગવાતાં, સ્તવું, મોળું થજો દોષનું જીવને.

પ્રત્યેક કંઈક પ્રાર્થના કરી કરી શ્રીપ્રભુનાં ચરણકમળમાં પ્રેમભક્તિભાવે સમર્પણ કર્યા કરવાનો જે જ્ઞાનભાન સાથેનો જીવંત અભ્યાસ પડ્યા કરેલો છે, તેથી તેવાં તેવાં નિમિત્ત સંબંધોનાં તેવાં તેવાં સ્મરણને પણ સમર્પણભાવે શ્રીહરિનાં ચરણકમળમાં શુદ્ધ થવા સમર્પણ કરી કરી પ્રાર્થું છું કે :-

(અનુષ્ટુપ)

થવા પાત્ર પ્રભુને તે સ્વજન દિલમાં ઊંડું,

ડંખનું ભાન પ્રેરાવી જગાડો તેમને’, સ્તવું.

જે રીતે, જે ભાવે શ્રીભગવાનને મારાથી ભજવાનું થયેલું છે, તે જ મેં સ્વજનોને ગાઈ બતાવ્યું છે અને સ્વજનોને પણ પોતાને શ્રેયાર્થી થવાની ઉત્કટ ઝંખના હોય, તો તેવાએ પણ કેવું કેવું થવું જોઈશે, તે પણ શ્રીપ્રભુકૃપાથી દર્શાવવાનું થયેલું છે.

નિમિત્ત હેતુએ મળેલાં સ્વજનો મારાં આવાં લખાણને સ્વીકારી પ્રેમથી વધાવી લેશે એવી શ્રદ્ધા સેવું છું.

તે ડૉક્‌ટર બહેનનો હૃદયથી આભાર માનું છું કે મને આવી રીતે વ્યક્ત થવાની તક તેમણે પ્રેરાવી.

આ તો માત્ર જોડકણાં છે અને તે રીતે શ્રેયાર્થી એને સ્વીકારશે  એવી વિનંતી છે.

મોટા

હરિઃૐ આશ્રમ,

શેઢી નદી, નડિયાદ.

તા. ૧૯-૮-૧૯૭૧

Categories
Book Gujarati books

જીવનસ્પંદન (Jivan Spandan)

સંપાદકના બે બોલ

પૂજ્ય શ્રીમોટાએ ‘જીવનઅનુભવગીત’ રચ્યા પછી, जीवनના અનુભવનાં વિવિધ પાસાંઓને સ્પર્શતી સંખ્યાબંધ રચનાઓ રચાયે જ જાય છે. જીવનસ્પંદનમાં જે રચનાઓ ગ્રંથસ્થ થઈ છે, એમાં તેઓશ્રીના જીવનનાં અનેક સ્પંદનો આસ્વાદ્ય બની શક્યાં છે.

આ પુસ્તકની એક વિશેષતા છે. એમાં તેઓશ્રીએ જીવદશાના વમળમાં’ એ મથાળાવાળા વિભાગમાં મુકાયેલી ગઝલો રચી છે, એની પાછળનો ઘણો જ ગહન ગૂઢ મર્મ રહેલો છે. તેઓશ્રીએ આ પુસ્તકના ‘લેખકના બે બોલ’ના મથાળે લખેલા લખાણમાં એ વાત સ્પષ્ટ કરી છે. પૂજ્ય શ્રીમોટાએ આ ખૂબ જ ગૂઢ અને ગહન વાતને આટલી પણ સ્પષ્ટ કરી એથી અનુભવીના નિમિત્ત’ને અને અનુભવીની ‘સકળ-વ્યાપી’ અનુભવ લીલાને સંકેતથી પણ યત્કિંચિત્‌ સમજી શકાય એવું લાગે છે ખરું.

અનુભવી પુરુષ નિમિત્તયોગે’ જે જે जीवो સાથે સંકળાય છે, એની પાછળની કાર્યકારણની સાંકળ કેવી સૂક્ષ્મ હોઈ શકે એનો ખુલાસો પ્રતીતિકર બની શક્યો છે. વળી, આવા અનુભવી પુરુષ પ્રત્યેના આકર્ષણ પાછળ પણ एवाનું જ  પૂર્વના અનંત જન્મોનું આકર્ષણબળ જ ગૂઢ રીતે કાર્ય કરતું હોય છે, એની પ્રતીતિ પણ પૂજ્યશ્રીના લખેલા ‘લેખકના બે બોલ’માંથી મળી રહે છે.

પણ આ બધી પ્રતીતિ ઉપરથી આપણે સમજવાનું એ છે કે આવા પુરુષનો સંપર્ક પામ્યા પછી આપણું જીવન અને આપણો વ્યવહાર, ગમે તેવાં વિચ્છિન્ન અને આદર્શવિરોધી ન હોવો જોઈએ,કેમ કે સર્વમાં રહેલા ચેતનતત્વ સાથે एकरूप થયેલો હોવાથી, અનુભવી,નિમિત્તે મળેલાં સ્વજનોની પ્રકૃતિ સાથે ખેલતો હોય છે. આથી, ષ્ના ખેલને સાથ આપીને આપણી जीवકક્ષાને ઊંચે લાવવા આપણે જાગૃતિપૂર્વક, પ્રેમભક્તિથી તેમ જ જીવનવિકાસના હેતુના જ્ઞાન સાથે મથવું જ રહ્યું. તો જ આવા અનુભવી સાથે મળ્યાની સાર્થકતા સિદ્ધ થઈ શકે.

પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના પ્રકાશન સાથે મારું નામ મુકાવીને મને જે માન આપ્યું છે, એ માટે મારી કશી જ યોગ્યતા નથી. એમના પરિચય અને સંપર્કથી જે જે સમજ ઊગે છે, એ જીવનના વ્યવહારમાં ઊતરે નહિ ત્યાં લગી કશી રીતે પણ હું યોગ્ય ન લેખાઉં.

પૂજ્ય શ્રીમોટા આ પુસ્તકમાં ‘સ્વજનને’ સંબોધીને જે જે કહે છે, એ યથાર્થતામાં જીવવા માટે મથવાની શક્તિ, બળ આપે એવી પ્રાર્થના કરી વિરમું છું.

૩૨, પંચવટી, મણિનગર,                                                                                                                             અરુણા રમેશભાઈ ભટ્ટ                                                                               અમદાવાદ-૬

Categories
Book Gujarati books

જીવનલહરી (Jivan Lahari)

નિવેદન 

શ્રીસદ્‌ગુરુ સ્થૂળ દેહ નથી, તે તો સાધકના દિલમાં પ્રગટેલો ભાવ છે. જ્યાં સુધી ભાવ હૃદયમાં સ્થાપિત હોય ત્યાં સુધી જ સદ્‌ગુરુનું જીવનપ્રેરક સાચું સાંનિધ્ય. સ્થૂળ સાંનિધ્ય ઉપકારક ખરું, પણ ખાસ ઉપયોગી નહિ.

આ સમજણ તો સૌને હોય છે. છતાં, ગુરુના ભાવાત્મક સાંનિધ્યને દિલમાં પ્રગટાવવું અતિ કઠણ છે. પૂજ્ય શ્રીમોટાનાં નિકટ પરિચયનાં સ્વજન ડૉ. કાંતાબહેન પટેલે પોતાનું દિલ પૂજ્ય શ્રીમોટામાં રમ્યા કરે એ માટેનાં સાધનોની સરળ સમજ પ્રગટે તેવી દોરવણી આપવા પૂજ્ય શ્રીમોટાને વિનંતી કરેલી. પૂજ્યશ્રીના દિલમાં સતત પ્રભુપ્રેમના ભાવની છોળો તો ઊછળ્યા જ કરે. એમનું દિલ એટલે પ્રેમ અને ભાવથી છલકાતો સાગર.

પૂજ્યશ્રી રોજ એક ગઝલની રચના કરે અને તે ટપાલથી ડૉ. કાંતાબહેન ઉપર રવાના કરે. આમ, ભાવસિંધુમાંથી ઊછળેલી આવી બસો સોળ જેટલી ગઝલોની લહેરો ડૉ. કાંતાબહેનના હૃદયના અંતરભાવોને સતત ભીંજવતી રહી. જીવનલહરિ’ એ આ બસો સોળ ગઝલ લહરિનો સમૂહ છે. પૂજ્યશ્રીના હૃદયમાં પ્રવેશવાનો સરળ છતાં જીવનભરની સાધના માગતો રાજમાર્ગ તેમાં સ્પષ્ટ વર્તાય છે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા પ્રેમભાવથી અને ચીવટથી શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. તેમના સહકારની અમો કદર કરીએ છીએ. આ પુસ્તકની આવરણ ડિઝાઇન ખૂબ જ ઉત્સાહથી અને આકર્ષક રીતે તૈયાર કરી આપનાર શ્રી મયૂરભાઈ જાનીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ટાઇટલને ચાર રંગમાં છાપી આપવા બદલ સાહિત્ય મુદ્રણાલયના નિયામકો શ્રી શ્રેયસભાઈ પંડ્યા તથા શ્રી યજ્ઞેશભાઈ પંડ્યાનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ચિખોદરાના વતની શ્રી ચૂનીભાઈ ડાહ્યાભાઈ પટેલના આર્થિક સહયોગથી આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. આશા છે કે સૌ કોઈ આ પુસ્તકને પ્રેમથી વધાવશે.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                            સી. ડી.શાહ 

નડિયાદ.                                                                                                                                                                               મૅનેજિંગ ટ્રસ્ટી

તા. ૧૪-૨-૧૯૯૯

Categories
Book Gujarati books

જીવનઆહલાદ (Jivan Aahlad)

સંપાદકના બે બોલ

જ્યારે પૂજ્ય શ્રીમોટાએ ‘જીવનઅનુભવગીત’થી તેમના સ્વાનુભવની વાણી વહેતી શરૂ કરી, ત્યારે તેમના સંબંધમાં આવેલાં સ્વજનો ઘણાં રાજી થયાં.

જોકે પૂજ્ય શ્રીમોટાએ આ અગાઉ લખેલાં તેમનાં પુસ્તકોમાં જીવનસાધના કરવા ઇચ્છતાં ભાઈબહેનોને માર્ગદર્શક થઈ પડે તેવાં ઘણાં લખાણો સંપૂર્ણ વિગતે લખ્યાં છે અને તેમાંય તેમના સ્વાનુભવની વાણી આવે છે ખરી, પરંતુ જીવનઅનુભવગીત’થી શરૂ થતી તેમની સ્વાનુભવની વાણી એ તેમની સાધનાપંથની નરી વાણી છે. તે રીતે સાધના કરવા જતાં કેવાં કેવાં કષ્ટો પડે છે, કેવી કેવી ભુલભુલામણી આવે છે અને સાધનાની સિદ્ધિનું શિખર સર કરવા માટે કેવાં કેવાં કઠોર તપમાંથી પસાર થવું પડે છે, તેનાં દર્શન તેમની આ સ્વાનુભવની વાણીમાંથી થાય છે. જેથી, જિજ્ઞાસુ સાધકોને માર્ગદર્શન મળશે એવી આશા છે.

ગીતામાં પરમાત્મા પ્રાપ્તિ માટે નામસ્મરણનો આધાર લેવાનું કહ્યું છે. પૂજ્ય શ્રીમોટાએ પણ એકાંતમાં શાંતિથી સૌ નામસ્મરણ કરી શકે, તે માટે તેમના આશ્રમોમાં મૌનમંદિરો સ્થાપ્યાં છે અને નડિયાદ, સુરત, કુંભકોણમ્‌ અને નરોડા(અમદાવાદ)માં આવેલાં આ મૌનમંદિરોમાં બેસીને ઘણાં ભાઈબહેનો તેમના ઇષ્ટ દેવ કે તેમના ઇષ્ટ મંત્રનો જાપ કરતાં હોય છે. પૂજ્ય શ્રીમોટાએ તેમની સાધનાની શરૂઆત નામસ્મરણથી જ શરૂ કરેલી. એથી જ તેમની સ્વાનુભવની વાણીમાં તેમણે સ્મરણ મહિમાને વિશેષ ગાયો છે.

આ રીતે પૂજ્ય શ્રીમોટાએ જ્યારે તેમની સ્વાનુભની વાણી લખવા માંડી, ત્યારે તે લખવાનું તેઓ ચાલુ રાખે અને તેની પ્રસિદ્ધિની જવાબદારી અમે તેમનાં સ્વજનો લઈ લઈશું એવી તેમને વાત કરી અને તેમણે તે સ્વીકારી, તેના પરિણામે જીવનઅનુભવગીત’ પછી જીવનઝલક’, જીવનલહરિ’, જીવનસ્મરણ’, જીવનરસાયણ’ વગેરે પુસ્તકો રજૂ થયાં છે અને તે પછી હવે આ જીવનઆહ્‌લાદ’ પુસ્તક રજૂ થાય છે.

પૂજ્ય શ્રીમોટાએ આ જીવનઆહ્‌લાદ’ છપાવવાનું કામ મને સોંપ્યું, તેને હું મારું સદ્‌ભાગ્ય સમજું છું. તેમના હાથે તેમની સ્વાનુભવની વાણીનાં હજી આવાં બીજાં ઘણાં ઘણાં પુસ્તકો લખાય અને છપાય તથા તેઓશ્રી સમાજ-પરમાર્થનાં કામ કરવા માટે ઘણું ઘણું જીવો એ જ પ્રાર્થના.

 ‘હરિનિવાસ’,                                                                                                                                      પુષ્પાબહેન જયરામભાઈ દેસાઈ

ગોયાગેટ કો. ઑ.

હાઉસિંગ સોસાયટી,

પ્રતાપનગર, વડોદરા-૪