Categories
Book Gujarati books

હૃદય પોકાર (Hraday Pokar)

આમુખ

સંસ્કૃતમાં મહિમ્નઃ વગેરેનું એક અનોખું સ્તોત્ર સાહિત્ય છે અને ભક્તહૃદયોએ તેમ જ સહૃદયોએ એ સાહિત્યને હંમેશાં સત્કાર્યું છે. એ જ વર્ગમાં આવતું આ કાવ્ય હૃદયપોકાર પણ આવકારને પાત્ર છે.

એમાં ભાષાની છટા, છંદનું લાલિત્ય કે અલંકારોની સુભગતા ભલે ન હોય, એની આવાં કાવ્યોમાં અનિવાર્ય જરૂર ગણાય પણ નહિ, પણ એમાં સરળ ભક્ત હૃદયના સાચી ઊર્મિભર્યા ઉદ્‌ગારો છે એ તો સ્પષ્ટ જ છે. કર્તાનું હૃદય ભક્તનું છે અને એ ભક્તહૃદય ભજનીયને ભક્તિપ્રધાન જ્ઞાનની નજરે જુએ ત્યારે જે સરળતા, જે સમર્પણ, જે તનમનાટ, જે દૈન્ય અને છતાં જે અમાપ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ નીપજવો જોઈએ તેનું પ્રતીક આ ભક્તિકાવ્યના જુદા જુદા મુક્તક જેવા શ્લોકોમાં મળે છે. આ મુદ્દો શ્રી નીલકંઠે પોતાની પ્રસ્તાવનામાં સદૃષ્ટાંત સુંદર રીતે ચર્ચ્યો છે, અને એમાં જ આ કાવ્યની ધન્યતા છે. ભક્તિભાવભર્યા સરળહૃદયી લોકમાનસને આ કાવ્ય રુચશે એમ ખુશીથી કહી શકાય.

તા. ૩-૧૧-૧૯૪૪                                                                                                                                                       ડોલરરાય આર. માંકડ