જીવનગીતા (Jivan Geeta)

Dec 14, 2021

નિવેદન

 સને ૧૯૩૨માં વિસાપુર જેલમાં પ્રથમ વખત શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા પૂજ્ય શ્રીમોટાના વાંચવામાં આવી. દરેક અધ્યાયને એકથી વિશેષ વખત વાંચી જતા. તે પછી તેના હાર્દને પકડી સમશ્લોકી ભાષાંતર તરીકે નહિ પણ ગીતાના તત્ત્વજ્ઞાનને સરળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ તરીકે અનુષ્ટુપ છંદમાં તેઓ રચતા ગયા. આ પ્રકારે જીવનગીતા’ રચાઈ છે.

પૂજ્ય શ્રી ગાંધીજીનું વ્યક્ત મંતવ્ય હતું કે આપણું ગુજરાતી સાહિત્ય સરળ અને ‘કોશિયો’ સમજે એવું હોવું જોઈએ. પૂજ્ય શ્રીમોટાને આ કથન સ્વીકાર્ય હતું. ઉપરાંત, તેમના ગુરુમહારાજે પણ જે તે લખાણ સરળ ભાષામાં લખવા કહેલું. અભણને પણ આ જીવનગીતા’ સમજાય છે કે કેમ તે જાણવા સૌ પ્રથમ પોતાનાં માતુશ્રી સૂરજબાને પૂજ્ય શ્રીમોટાએ આ રચનાનો કેટલોક ભાગ વાંચી સંભળાવ્યો હતો અને તેમનાં બાએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે તેઓને એ લખાણ સમજાય છે.

તાત્પર્ય કે આ જીવનગીતા’ની રચના સરળ ભાષામાં થઈ છે. પૂજ્ય શ્રીમોટાનાં સ્વજનોમાં તેમ જ જિજ્ઞાસુ ગુજરાતી ધર્મપ્રેમીજનોમાં પણ એ સ્વીકારાઈ છે. અત્યાર સુધીમાં તેની બારેક હજાર નકલ વેચાઈ ગઈ છે. હાલમાં આ પ્રકાશનની કોઈ પ્રત પ્રાપ્ય નથી. સ્વજનોમાં તેની સતત માંગ રહે છે, તેને ધ્યાનમાં રાખીને આ આઠમી આવૃત્તિનું પ્રકાશન ૧૩ વર્ષ પછી કરતાં અમો ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.

ખાસ ઉલ્લેખ કરવાનો કે અગાઉની આવૃત્તિઓમાં અનેક શ્લોકોમાં પૂજ્ય શ્રીમોટાએ જે જે નવી કડીઓ ઉમેરી હતી, તે ફૂટનોટ તરીકે જે તે પાનાંની નીચે છપાઈ હતી. તે તમામ કડીઓને તેમના યોગ્ય લગત સંદર્ભે આ પ્રકાશનમાં સમાવાઈ છે. તેથી, વાંચવામાં સળંગતા અને સરળતા જળવાઈ રહેશે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્‌ભાવથી અને ચોકસાઈપૂર્વક શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઇટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને સદ્‌ભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

અમોને આશા અને શ્રદ્ધા છે કે આ પ્રકાશનને પણ અગાઉનાં પ્રકાશનોની જેમ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓ આવકારશે.

તા. ૨૯-૭-૨૦૦૭                                                                                                                                                                   ટ્રસ્ટીમંડળ,

ગુરુપૂર્ણિમા                                                                                                                                                               હરિઃૐ આશ્રમ, સુરત. .

Read PDF Book Read Flipbook Buy Book
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Books

View All